ગીતો

ગઢડો



પાદર મોહરયો વડ, ને બેઠો ડોકરડો ,
રખે ભલો આ ગઢ ચણાયો ઠાકરડો ,

આગળ ધોરી, પાછળ ખેતર ગાડે ,
હૈયે હરખે ખેડું ,ફોરાં નાડે નાડે ,
સુરજ હજી  તો રાતી આંખે બેઠો થાતો ,
ને પનિહારી પાણી જતી ઝરતી વાતો ,

મેહુલીયા ની આશ માં ફરતો મોરલીયો ....રખે....

બકરાં બેબે ,બળદ ભાંભરે  ,ઝાંઝર ના ઝણકાર ,
નેણ અણીધર,કેશ ફણીધર ,અજબ રૂપકડી નાર,
પગ કાં થર થર થરકે તારા સાહેલડી ?
મન માં તારા મલકે એ શું વાતલડી ?

સખી મને મન ભાયો ઓલો પાતલડો .......રખે ....


-------------------------------------------------------------------------

મીરાં 


કોઈ આંગળીએ પાપા પગલી સવાર દોરી લાવ્યું,
રહ્યું અધૂરું સપનું મારી આંખો ને ન ફાવ્યું..

ઊંચા આકાશે એ ઉડતું,મન વગડા નું પંખી,
ઉતરે મારે આંગણ માટે,આખી રાત હું ઝંખી,
રાત વિતાવી વાટ માં એની,તોય ના દ્વારે આવ્યું..

અંધારા થી મૈત્રી એવી,અંજવાળે અટવાતા,
તેજ સૂરજ ના ઘોળી ઘોળી નયન થયા છે રાતાં,
એક રાત ની આશ માં મેંતો આખું દિન વિતાવ્યું..

ખરખર ખરખર ખર્યા કરતા ભીતર ભીતર મોતી,
ને મૃગલા ની પેઠે હું તો ભાગું, બહાર જોતી,
મન પામી જયારે ત્યારે મેં,અંદર સેજ બિછાવ્યું..

નિત માળા જપ ઓચ્છવ કીર્તન ધૂપ ધુમાડો ભારે,
હું મીરા છું એની મુજને ,ભલે એ રાધા ધારે,
એની પ્રાણ પ્રતિષ્ઠા ખાતર મન મંદિર સજાવ્યું..


-##અલ_મસ્ત












----------------------------------------------------------------------------------------------------------------





આવ જરા તું ઓરી .....



શ્યામલ રંગ મન ભાયો ,ભાયો ગોકુલ ગામ  કિશોરી ,
આવ જરા તું ઓરી ,ગોરી આવ જરા તું ઓરી,

જમુના જળ માં  સ્નાન કરીને, ભીના વદન ની માથે ,
કોરા નયન, આ લૂછ્યા કરતા એને હાથે હાથે ,
તે  જ સ્વામીની થઈને કીધી મારા હદય ની ચોરી ,

                         આવ જરા તું ઓરી ..........................

ઝાકળ ની આ બુંદો માદક કરે છે ઉપવન મન નું,
આપ-લે ફૂલો ની, છે સૂચન ન્યારા બંધન નું,
ભ્રમર કરી ને ગુંજન ,બાંધે છે સંબંધ ની દોરી ,

                        આવ જરા તું ઓરી ...........................

કુસુમ પરે થી રાગ ખરે છે, હાંસી કરે છે માંહે,
પાણિ  ગ્રહું ને દેહ થરથરે ,મન વારી વારી જાયે,
જાણે છે તું તોરો છું હું ,થઇ જા ને તું મોરી ,

                         આવ જરા તું ઓરી............................




    connect on facebook                                                                          -ચિંતન લખાણી 'અલ_મસ્ત' 



No comments:

Post a Comment