Wednesday, 11 January 2017

અનમોલ મૂડી





કડી બે કડી જો મળે તો લખી લ્યો...
વાતો બે ચાર નીકળે તો લખી લ્યો..
છે અનમોલ મૂડી એ આગમ જગત ની,
વસ્તુ મળે એક પળે તો લખી લ્યો..
જરા આંધળાને જો દેખાડી દેશું,
આંખો એનીય ઝળહળે તો લખી લ્યો..
જુદા છો ને રસ્તા બધે એક મંજિલ,
મન જ્યાં વળે,વળે તો લખી લ્યો..
છો ને ઉભા હાથ જોડી ઈ' આગળ,
નજર જરાક ઢળે તો લખી લ્યો..
'અલ_મસ્ત'અમોને પાગલ કરી દે છે,
તમને ફળે,જો ફળે તો લખી લ્યો...

Wednesday, 28 December 2016

રેખાઓ

              
      એ હંમેશા ખૂણા માં બેઠા બેઠા એક જુનો પુરાણો સિક્કો હાથના અંગુઠા વડે ઘસ્યા કરતાં.હું અવારનવાર ત્યાં કરીયાણા નો સામાન પહોંચાડવા જતો અને એમને જોયા કરતો.ધીરે ધીરે ઓળખાણ થઇ ,હકીકત માં તો મિત્રતા.

           હું એમને જુના સિક્કા પર અંગુઠો ઘસતા જોઈ ઘણીવાર પૂછતો, “તમે રોજેરોજ આ સિક્કા સાથે આ શું કરો છો ?” ને એ ઘડીભર મારી સામે જોઈ રહેતા,પછી સાવ કોરું હાસ્ય ઉપજાવી હળવે થી કહેતા, “ઘસી ઘસી ને જુનો કરું છું,કદાચ રેખાઓ ભૂંસાય તો કિંમત વધી જાય.” ને હું આશ્ચર્ય થી એમની આંખો માં ટગર ટગર જોયા કરતો.

         એક દિવસ અનાયાસે જ હું ‘એલ્ડર્સહાઉસ’ પહોંચી ગયો.કોલાહલ થોડો વધારે હતો.જોયું તો ખૂણો ખાલી હતો.એમના રૂમ માં જોયું તો ડોક્ટર અને બીજા સગાવ્હાલા એમના પલંગ ને વીંટળાઈ ને ઉભા હતા.દીકરો એમનો અંગુઠો સહીવાળો કરી,નિશાન લઇ રહ્યો હતો.વકીલ એ બિલોરી કાચ વડે તપાસી,ફાઈલ સાથે સરખાવી રહ્યા હતા,પણ એકેય નિશાન મળતું આવતું નહોતું.

        અચાનક એક ઊંડો શ્વાસ લઇ એમને આંખો ઢાળી દીધી.વહું એ પોક મૂકી.દીકરાની આંખો ભીંની થઇ.મારી નજર ચોંટી ગઈ એમના ચહેરા પર અને ત્યાં તો જાણે અકબંધ જડાઈ ગયું હતું,પેલું કોરુંકટ હાસ્ય.વકીલે બધા સમક્ષ એમની વિલ વાંચી સંભળાવી. “જો મૃત્યુ સુધી હું મારી મિલકત કોઈના નામે ન કરું, તો એની હકદાર માત્ર ને માત્ર ‘એલ્ડર્સહાઉસ’ સંસ્થા થશે.”ને મારા મન માં શબ્દો સરી પડ્યા, “વાહ ,તમે તો ખરેખર રેખાઓ ભૂંસી ને કિમત વધારી ગયા.”


                                                                                          



                                              


Saturday, 10 December 2016

અશક્ય



જીવન ગુજારી શકાય છે યાદ માં ખરેખર ?
ખુદ ને વિસારી શકાય છે સાથ માં ખરેખર ?
લાખ કરો ઉપાય તોય ,એ દરદ ના જ મટે,
અભિમાન રોકી શકાય છે દાદ માં ખરેખર ?
પર ન થઇ શકાય તો પ્રતિબિંબ થઇ જાવું,
જાત ઝોંકી શકાય છે વાદ માં ખરેખર ?
લાગે છે જેને ઘા એતો મૌન રહે છે,
વેદના ખોલી શકાય છે ફરિયાદ માં ખરેખર ?
પર્ણ ના ખર્યા નું દુઃખ મૂળ ને પૂછો,
દર્દ તોળી શકાય છે હાટ માં ખરેખર ?
શબ્દ એક 'અલ_મસ્ત' એવી સંહિતા છે,
ચૈતન્ય બોલી શકાય છે વાત માં ખરેખર ?


-ચિંતન લખાણી 'અલ_મસ્ત'

Friday, 9 December 2016

બવાલ લાગે છે......




નયન ના નીર માં છલકી રહ્યો સવાલ લાગે છે..
જીવાડી જે રહ્યો, એ એમનો ખયાલ લાગે છે..
કોઈ આવીને બસ સાહસ કરાવી જાય છે,
નહીં તો બધા એ આશિકો બેહાલ લાગે છે..
લાખો અંધારા બાદ ઉગતી તેજ કિરણો હોય જેમ,
એમ એનો પ્રેમ એક પ્રિયાલ લાગે છે..
ખૂટે છે શબ્દ મારા, પ્રેમની વાતો માં એની,
શબ્દકૉંશે ધરા નો ક્યાંક તો પાયમાલ લાગે છે..
ભળે છે એ સતત મારા માં કાંઈક એવી રીતે,
બનું જો જલ હું તો એ સકલ શેવાલ લાગે છે..
મળે છે પ્રેમ ને નફરત અહીં દુનિયા મહીં તારી,
નક્કી ખુદાઈ માં કોઈ બવાલ લાગે છે..


-##અલ_મસ્ત

Thursday, 8 December 2016

મીરાં



કોઈ આંગળીએ પાપા પગલી સવાર દોરી લાવ્યું,
રહ્યું અધૂરું સપનું મારી આંખો ને ન ફાવ્યું..

ઊંચા આકાશે એ ઉડતું,મન વગડા નું પંખી,
ઉતરે મારે આંગણ માટે,આખી રાત હું ઝંખી,
રાત વિતાવી વાટ માં એની,તોય ના દ્વારે આવ્યું..

અંધારા થી મૈત્રી એવી,અંજવાળે અટવાતા,
તેજ સૂરજ ના ઘોળી ઘોળી નયન થયા છે રાતાં,
એક રાત ની આશ માં મેંતો આખું દિન વિતાવ્યું..

ખરખર ખરખર ખર્યા કરતા ભીતર ભીતર મોતી,
ને મૃગલા ની પેઠે હું તો ભાગું, બહાર જોતી,
મન પામી જયારે ત્યારે મેં,અંદર સેજ બિછાવ્યું..

નિત માળા જપ ઓચ્છવ કીર્તન ધૂપ ધુમાડો ભારે,
હું મીરા છું એની મુજને ,ભલે એ રાધા ધારે,
એની પ્રાણ પ્રતિષ્ઠા ખાતર મન મંદિર સજાવ્યું..


-##અલ_મસ્ત

વરસાદ


મારાપણું (અહમ)



તારી વિચારધારા થોડી બદલીને જો..
આખા જગત થી મને જુદો ગણીને જો..
હું જ બોલાવ્યા કરું દરેક વાર સામે થી ?
વાત માં ક્યારેક તુંય આગળ વધીને જો...

એમ કાંઈ બે જણા જુદા થતાં નથી,
અભિમાન ના અંધકાર થી નીકળીને જો...
ફર્યા કરું પાછળ એ મારુ ગજું નથી,
કંઈ ઓર છે મજા તું સાથે ફરીને જો..

તું છે આ જગ માં તો હુંય પણ છું અહીં,
તારાપણા થી દૂર ક્યાંક મને મળીને જો...
બે વાત કરવાથી સમજ માં હું નહીં આવું કદી,
સમજવો જ હોય તો મારી બનીને જો...



-##અલ_મસ્ત