Wednesday 28 December 2016

રેખાઓ

              
      એ હંમેશા ખૂણા માં બેઠા બેઠા એક જુનો પુરાણો સિક્કો હાથના અંગુઠા વડે ઘસ્યા કરતાં.હું અવારનવાર ત્યાં કરીયાણા નો સામાન પહોંચાડવા જતો અને એમને જોયા કરતો.ધીરે ધીરે ઓળખાણ થઇ ,હકીકત માં તો મિત્રતા.

           હું એમને જુના સિક્કા પર અંગુઠો ઘસતા જોઈ ઘણીવાર પૂછતો, “તમે રોજેરોજ આ સિક્કા સાથે આ શું કરો છો ?” ને એ ઘડીભર મારી સામે જોઈ રહેતા,પછી સાવ કોરું હાસ્ય ઉપજાવી હળવે થી કહેતા, “ઘસી ઘસી ને જુનો કરું છું,કદાચ રેખાઓ ભૂંસાય તો કિંમત વધી જાય.” ને હું આશ્ચર્ય થી એમની આંખો માં ટગર ટગર જોયા કરતો.

         એક દિવસ અનાયાસે જ હું ‘એલ્ડર્સહાઉસ’ પહોંચી ગયો.કોલાહલ થોડો વધારે હતો.જોયું તો ખૂણો ખાલી હતો.એમના રૂમ માં જોયું તો ડોક્ટર અને બીજા સગાવ્હાલા એમના પલંગ ને વીંટળાઈ ને ઉભા હતા.દીકરો એમનો અંગુઠો સહીવાળો કરી,નિશાન લઇ રહ્યો હતો.વકીલ એ બિલોરી કાચ વડે તપાસી,ફાઈલ સાથે સરખાવી રહ્યા હતા,પણ એકેય નિશાન મળતું આવતું નહોતું.

        અચાનક એક ઊંડો શ્વાસ લઇ એમને આંખો ઢાળી દીધી.વહું એ પોક મૂકી.દીકરાની આંખો ભીંની થઇ.મારી નજર ચોંટી ગઈ એમના ચહેરા પર અને ત્યાં તો જાણે અકબંધ જડાઈ ગયું હતું,પેલું કોરુંકટ હાસ્ય.વકીલે બધા સમક્ષ એમની વિલ વાંચી સંભળાવી. “જો મૃત્યુ સુધી હું મારી મિલકત કોઈના નામે ન કરું, તો એની હકદાર માત્ર ને માત્ર ‘એલ્ડર્સહાઉસ’ સંસ્થા થશે.”ને મારા મન માં શબ્દો સરી પડ્યા, “વાહ ,તમે તો ખરેખર રેખાઓ ભૂંસી ને કિમત વધારી ગયા.”


                                                                                          



                                              


No comments:

Post a Comment